About Visha Nima Mitra Mandal

 

શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળ

(website : www.vishanimajain-ahmedabad.com)

c/o. કે.વી.શાહ એન્ડ એસોસીયેટ

૫૦૪, અનિકેત, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદ – ૯

ફોન નં. ૨૬૪૦૮૦૪૪

શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળનો ઈતિહાસ :

 

શ્રી વિશાનીમા જ્ઞાતિની સંખ્યા ઘણીજ નાની છે. ગોધરા, વેજલપુર, મહુધા, ચુણેલ, લુણાવાડા, કપડવણજ એમ પાંચ ગામનો એકડો ગણાય છે. સં. ૨૦૦૦માં સ્વ. મુરબ્બી શ્રી વાડીલાલ મનસુખરામ પારેખ તથા સર્વશ્રી ચિમનભાઈ ડાહ્યાભાઈ તથા કપડવણજ, ગોધરાના અગ્રગણ્ય ભાઈઓને વિચાર આવ્યો કે આપણે એકત્ર થઈએ તો એકબીજના પરિચયમાં આવી એકબીજાના સુખ-દુ:ખમાં ભાગીદાર થઈ શકીએ. તેઓએ મહેનત કરી શ્રી વિશાનીમા સમસ્ત જ્ઞાતિ મંડળની મીટીંગ સં. ૨૦૦૦માં કપડવણજમાં બોલાવી અને તે વખતના અદમ્ય ઉત્સાહને ધ્યાને રાખી બીજુ અધિવેશન સં.૨૦૦૧માં ગોધરા મુકામે ભરાયું. તે વખતે આર્થિક કારણોને લીધે જ્ઞાતિના બાળકો અભ્યાસથી વંચિત ના રહે તે માટે ભંડોળ એકઠું કરી શ્રી કેશવલાલ વાડીલાલ તરફથી ઉદાર સખાવત મળતાં તેઓશ્રીના નામથી વિદ્યોત્તેજક સોસાયટીની રચના થઈ અને તે પછી કેટલીક મુશ્કેલીઓ આવવાથી નક્કી કરેલ કાર્યોમાં શિથીલતા આવી અને ફરીથી પ્રયત્નો થતાં સં.૨૦૧૦માં ત્રીજું સંમેલન મહુધામાં ભરાયું. જ્યાં વિસરાયેલી વાતોને પુનર્જીવન આપીને યોજના ચાલુ થઈ. ત્યારબાદ સં.૨૦૧૫માં વેજલપુર મુકામે ભરાયેલ અધિવેશનમાં શ્રી ચંદુલાલ મોહનલાલ તરફથી ઉદાર દાન મળતાં તેમના નામથી વૈદકીય રાહત ફંડ અમલમાં આવ્યું. સં.૨૦૨૫માં ૫ મું અધિવેશન લુણાવાડા મુકામે રજત જયંતી વર્ષ અધિવેશન તરીકે ઉજવાયું. આ તમામ અધિવેશનોમાં ઘણી-ઘણી આર્થિક, ધાર્મિક, સામાજીક બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી.

 

વિ.સં. ૨૦૦૦ થી ૨૦૨૫ ના ૨૫ વર્ષના ગાળામાં ગોધરા, વેજલપુર, મહુધા, ચુણેલ, લુણાવાડા અને કપડવણજમાંથી કેટલાક કુટુંબો આર્થિક ઉપાર્જન અર્થે અમદાવાદ આવીને વસવા લાગ્યા. જેમાંથી કેટલાકે પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, કેટલાકે નોકરીઓ સ્વીકારી. આમ અમદાવાદ શહેર અને પરાં તેમજ છુટા છવાયા વિસ્તારોમાં વસતા આ લોકોને અને તેમના સગા સંબંધીઓના સંપર્ક સાધવા, બંધુભાવ કેળવવા, નિકટતમ પરિચયમાં આવવા, જ્ઞાતિના ઉત્કર્ષ માટે, જુથબળ અને સંગઠન કેળવવા માટે, સમસ્ત જ્ઞાતિની ધાર્મિક, આર્થિક અને સામાજીક ઉન્નતિ કરવા, કેળવણીનો પ્રચાર સાધવા તથા પરસ્પર ભાતૃભાવની લાગણી વધારવા, એક-બીજાના સહાયથી સહાય કરી વ્યક્તિગત કે સમિષ્ટ રીતે ઉપયોગી થવા તેમજ જ્ઞાતિના શ્રેય અને ઉત્કર્ષ માટેના કાર્યો ક્રમશ: હાથ ધરવા અને તે માટેનું જરૂરી ભંડોળ એકઠું કરી સઘળા કાર્યો પુરા પાડવાના ઉમદા હેતુથી સ્વ.શ્રી અજીતભાઈના સહકારથી તેમજ સ્વ.શ્રી પુનમચંદ ગીરધરલાલ શાહના પ્રમુખપણા હેઠળ અમદાવાદ ખાતે ઈ.સ. ૧૯૫૯માં શ્રી વિશા નીમા જૈન મિત્ર મંડળની સ્થાપના કરવામાં આવી.        

 

દિવસે દિવસે પ્રગતિના પંથે પગલા પાડતી આ સંસ્થાને સ્વ. શ્રી રમણલાલ દલસુખભાઈ શાહ (ગોધરાવાળા) , સ્વ. શ્રી જયંતીલાલ મંગળદાસ શાહ (મહુધા વાળા) તેમજ સ્વ. શ્રી રમેશભાઈ કાંતીલાલ ગાંધી (વેજલપુરવાળા) ની લાંબા સમયની પ્રમુખ તરીકેની સેવાઓ મળતાં આ સંસ્થા શ્વાસ લેવા પણ ઉભી રહી નથી. પ્રવૃત્તિઓનો વિકાસ થતો જ રહ્યો. સાથે સાથે સમાજના અન્ય વડિલોનો પણ મંડળના વિકાસમાં તન,મન અને ધનથી સુંદર સહકાર મળતાં ૧૯૫૯માં શરૂઆતમાં જે ૩૦ થી ૪૦ કુટુંબો હતાં તેમાં બીજા અનેક કુટુંબો ઉમેરાતાં તેમજ ગોધરા, વેજલપુર, મહુધા, ચુણેલ અને લુણાવાડા ઉપરાંત અમદાવાદ શહેર કે આસપાસના વિસ્તારમાં આવીને વસેલા હોય તેવા દાહોદ, બારીયાના કુટુંબોનો પણ સમાવેશ કરવા ઉપરાંત આ ગામોની વિશા નીમા જ્ઞાતિની દિકરીઓ કે જેઓને જૈન ધર્મના કોઈપણ ફિરકામાં એટલે કે શ્વેતાંબર, દિગંબર,સ્થાનકવાસી વગેરેમાં પરણાવતાં અને અમદાવાદ શહેર કે આસપાસના વિસ્તારમાં આવીને વસેલા હોય તેમને પણ મંડળ તરફથી અપાતા લાભ આપવાનું નક્કી થતાં આજે મંડળના સભ્ય કુટુંબોની સંખ્યા ૨૬૫ જેટલી થયેલ છે.

 

 

મંડળને સક્રિય રાખવા તેમજ ગતિશીલ રાખવા માટે દર વર્ષે સ્નેહ સંમેલનો અમદાવાદના જુદા જુદા સ્થળોએ ગોઠવવામાં આવતાં મંડળના ઉપર જણાવેલ ગામના સભ્યો એક બીજાની નજીક રહેવા લાગ્યા. ઈ.સ. ૧૯૬૯માં વેજલપુર નિવાસી સ્વ. શેઠ શ્રી રતિલાલ પાનાચંદની હાજરીમાં શેઠશ્રી હઠીસિંહ કેશરીસિંહની વાડીએ મિલન સમારંભ યોજવામાં આવ્યો. ત્યારબાદ ગોધરા નિવાસી દાનવીર, દીર્ઘદ્રષ્ટા અને હસમુખો સ્વભાવ ધરાવતા શ્રી કાંતીલાલ વાડીલાલ શાહ (એડવોકેટ)નું મંડળના પ્રમુખ તરીકે તેમજ વેજલપુર નિવાસી દાનવીર, સંયમી અને ઉદારદીલ શ્રી નવીનભાઈ ચીમનલાલ શાહનું મંડળના સલાહકાર સમિતિના સભ્ય તરીકે આગમન થતાં મંડળનો વિકાસ અવિરત વધતો ચાલ્યો.

અંતમાં, મંડળને યુવાન કાર્યકર શ્રી કિરીટકુમાર રતિલાલ શાહ (ગોધરાવાળા)નો મંત્રી તરીકેની સેવાનો તન-મન અને ધનથી સહયોગ ઈ.સ. ૧૯૮૭થી પ્રાપ્ત થતાં મંડળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી શકેલ છે. હાલમાં મંડળ દ્વારા અમલમાં મુકવામાં આવેલ જુદી જુદી યોજનાઓનો લાભ મંડળના સ્ભ્યોને સીધી અથવા આડકતરી રીતે અપાવવામાં તેઓ સફળ રહ્યા છે. મંડળને ઈ.સ. ૨૦૦૯માં ૫૦ વર્ષ પુરા થતાં મંત્રીશ્રી કિરીટકુમાર રતિલાલ શાહ (ગોધરાવાળા)ના સફળ નેતૃત્વ હેઠળ સુવર્ણ જયંતી વર્ષ ઉજવણી કરવામાં આવેલ હતી. તે અંતર્ગત તમામ સભ્યોને તારંગા, મહેસાણા અને નંદાસણ તીર્થોની યાત્રા વિના મુલ્યે કરાવવામાં આવેલ હતી. સાથે સાથે સુવર્ણ જયંતી વર્ષની યાદગીરીરૂપે એક બેગ ભેટ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત મંડળના કારોબારીના સભ્યોતેમજ અન્યોના અથાગ પ્રયત્નોથી મંડળ તરફથી સંવત ૨૦૪૬, વર્ષ ૨૦૦૦ અને ૨૦૧૦માં વિવિધ માહિતી સાથેની અમદાવાદ એકમની વસ્તી પુસ્તિકા, ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવામાં આવેલ છે.