About Visha Nima Jain

શ્રી વિશા નીમા જૈન જ્ઞાતીનો ઈતિહાસ

વિ.સં. ના દશમા સૈકામાં વેપાર કરે તે વાણિજ્ય એટલે વાણિકા કહેવાયા. વાણિકા સંસ્કૃત શબ્દ ઉપરથી વાણિયા કોમ અસ્તિત્વમાં આવી. સાથે સાથે દશા વિશાના ભેદ પડ્યા. ત્યર પછી કાળક્રમે વિ.સં.૧૨૭૫માં શ્રી વસ્તુપાલ અને તેજપાલે ધોળકામાં ગુજરાત અને તેની આસપાસથી સઘળા વાણિયાઓને તેડાવ્યા. તે સમયે વાણિયાઓની ચોર્યાસી નાતો હતી. વસ્તુપાલે ત્યાં ચોર્યાસી નાતોનું સાજન. તે પ્રસંગે કોઈ અનિચ્છનિય બહાના તળે વાણિયાઓમાં દશા વિશા એવા ભેદ પડ્યા. આ ભેદ પાડવામાં શ્રી વસ્તુપાલ અને તેજપાલના સદ્‌ગુણો ઉપરનો તેજો-દ્વેશ કારણભુત ગણાય છે. તેવાજ તે બે શેઠીયાઓના પોતાના વિરોધીઓને સંતોષ્યા નહીં પણ તરછોડ્યા અને પોતાના પક્ષવાળાને લાભ આપ્યો તે પણ એક કારણ ગણાય છે. દશા-વિશાના ભેદ કાયમ થવામાં બે થી ત્રણ સૈકા વ્યતિત થયા. વસ્તુપાલના વણિક સંમેલનનો સમય વિ.સં. ૧૨૭૫નો હતો. તે પછી બસ્સો વર્ષે સુલતાન મહંમદનો સમય સંવત ૧૫૦૦ની આસપાસનો છે. તે સમયે સુલતાન મહંમદનુ રાજ આખા ગુજરાતમાં હતું. તેનો કિર્તીલેખ કોઈ જૈન વિદ્વાને લખ્યો છે. તેમાં બધી વાણિયાની નાતોના નામ આપેલા છે. એ નામાવળીની સંખ્યા ગણતા ૮૪ થાય છે. તેમાં દશા-વિશા એવો ભેદ નથી પણ મૂળ જ્ઞાતીઓના નામ જ છે. તેમાં નીમા જ્ઞાતીનું નામ છે. વળી વિ.સં. ૧૨૭૫માં આબુ ઉપરના વાણિયા સંમેલનમાં ગયેલી નાતોમાં પણ નીમા નાતનું નામ છે. મતલબ કે ૧૨૭૫માં નીમા વાણિયાની વસ્તી ગુજરાતમાં હતી તે ચોક્કસ છે.

નિયમા વાણિજ્ય ઉર્ફે નીમા વાણિયા દશા હો કે વિશા, જૈન હો કે વૈષ્ણવ કે સનાતની હો, તે બધાની કુળદેવી “સર્વમંગલા”છે. તેમના ૩૨ ગોત્ર છે.

કોઈપણ જાતના મતમતાંતર અગર દુરાગ્રહથી દૂર રહી વસ્તુને તપાસવામાં આવે તો નિયમા વણિકનો જન્મ સમય, તેમની નાતના અને ગોત્રના નામ પડવાનો સમય બહુ પુરાતન છે. નીમા વણિક મહાજનનું ઉત્પત્તિ સ્થાન જુના ઈડર રાજ્યમાં અને હાલના સાબરકાંઠા જિલ્લામાં મોડાસાની પાસે જ્યાં હાલ દેવમહાધરાય (શામળાજી) નું મંદિર છે ત્યાં હતું. તે જગ્યાએ કલ્પગ્રામ અને પાછળથી સદ્‌પુરી નામે નગર હતું. તેની નજીકમાં ઔદુમ્બર ઋષીનો આશ્રમ હતો. અયોધ્યાના સત્યવાદી પુષ્પ શ્લોક હરિશ્ચંદ્ર રાજાએ રાજસુય યજ્ઞ શ્રી ઔદુમ્બર ઋષિ પાસે કરાવવા અયોધ્યાથી અહી આવ્યા હતા. યજ્ઞની પુર્ણાહુતીમાં યજ્ઞમાં જોઈતી સામગ્રી પુરી પાડનારા વણિકોનો સોળ ગોત્રના બ્રાહ્મણોનું પોષણ અને સેવનનું કામ કરવા દાન આપ્યું. એ વણિકોના વ્યાપાર અને બીજી સમૃદ્ધિ તથા સંસ્કૃતિ વગેરે સ્થિતિ જોઈ તેમની વસ્તિમાં બત્રીસ કુટુંબ અથવા ગોત્ર કે કુળ બાંધી આપ્યા. હરિશ્ચંદ્ર રાજાએ તેમને આ નિયમમાં મુક્યા તે ઉપરથી નિયમા વણિકા કહેવાયા. નિયમને અનુસરનાર વાણિયાઓએ બ્રાહ્મણોનું પોષણ કરવાનું અને સંબંધો ચાલુ રાખ્યા. ત્યારથી તેઓ નિયમસ્ય વાણિયા તરીકે પ્રસિદ્ધ થયા(હાલમાં તેઓ નેમા વાણિયા કહેવાય છે). આ રીતે હરિશ્ચંદ્ર રાજાના સમયમાં આજથી લગભગ પાંચ હજાર વર્ષ અગાઉના સમયમાં આ વેપારી કોમનું નામ નિયમા વૈશ્યા હતું. તે બદલાઈને વિ.સં. દશમા સૈકાથી શરૂ થતા નવા કાળમાં નિયમા વાણિજ્ય નામ પડ્યું એટલે હાલના નિમા વાણિયાનો જન્મ સમય દશમા સૈકાથી શરૂ થતા સમયમાં નહી પરંતુ નામ પલટો થયો છે.

નીમા વાણિયાનું ઉત્પત્તિ સ્થાન કલ્પગ્રામ કે રૂદ્રપુરી ત્યાં હાલ શામળાજીનું મંદીર છે તે હતું. હાલ તે જગાએ માત્ર મોટું વિશાળ મહા મંદીર છે. મંદીરની બાંધણી અને આજુબાજુની જમીનમાંથી નિકળતા પત્થરો, ઈંટો વગેરે જોતાં ત્યાં એક મોટું શહેર હશે તેમ નક્કિ લાગે છે. વળી ગુજરાત અને મેવાડની સરહદ પર આવેલું હોવાથી ત્યાં વેપાર-વાણિજ્ય બહુ સારો ચાલતો હતો. અને આ વેપાર કરનારા સાહસિક વેપારીઓ અને તેમાં મુખ્યત્વે આપણા નિયમા વૈશ્ય હતા.જે પાછળથી નિયમા વાણિજ્ય નામ ધારણ કરનારા હાલના નીમા વણિક મહાજન હતા. કાળક્રમે રૂદ્રપુરીનો નાશ થયો. ત્યાંની વસ્તી વેરવિખેર થઈ ગઈ અને જેને જ્યાં ફાવ્યું ત્યાં જઈને વસ્યા. આ સ્થાનની નજીકમાં મોહનપુર આબાદી અને સગવડવાળું સ્થાન હતું. તેથી આપણા નીમા વણિકો તથા તેમના કુળગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણો સાથે મોહનપુર જઈ વસ્યા. ત્યાં ઠરીઠામ થતાં એક બે સૈકા લાગ્યા હશે. કેટલાક જથ્થા આજુબાજુના ગામમાં જઈ વસ્યા. આ મોહનપુરનો નાશ બારમા સૈકામાં કે તેની આસપાસ માજુમ નદીના જળપ્રલયના લીધે થયો. મોહનપુરની પડતી સમયે નજીકના વ્યાપારી મથકોમાં કપડવંજ અને ચાંપાનેર એ બે શહેર આપણા નીમા વણિકોને મળ્યા. મોહનપુરથી ખસતા ખસતા બારમા સૈકાના ઉત્તરાર્ધ અને તેરમા સૈકાની શરૂઆતમાં કપડવંજ અને ચાંપાનેરમાં નીમા વણિકો આવીને વસ્યા. તેરમા સૈકાની શરૂઆતમાં વાઘેલા વંશના રાજપુત રાજા અને તેમના જૈન પ્રધાન વસ્તુપાલ – તેજપાલ રાજ્ય કરતાં હતા. તેમને આબુ પર્વત ઉપર અલૌકિક જૈન દેવાલયો બંધાવ્યા. આ બધા દહેરાસરમાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવા મહોત્સવ કર્યો અને તેમાં ગુજરાતના સઘળા જૈનોને નોતર્યા. આ સંઘમાં કપડવંજમાંથી અને તે સમયના ચાંપાનેરમાંથી આપણા નીમા વણિકો ગયા હતાં. ત્યાં કોઈ અનિચ્છનિય કારણે સઘળી વણિક કોમમાં દશા અને વિશા એમ બે ભેદ પડ્યા. તે બીજી વણિક નાતોની સાથે આપણા નીમા વણિકોએ પણ એ બે ભેદ સ્વીકારી પોતાને વતન પાછા આવ્યા. હાલના કપડવંજમાં બધા વિશા નીમા વણિકો છે. કોઈપણ દશા નીમાની વસ્તી નથી. ચાંપાનેરના નીમા વણિયાઓનું પણ તેવું જ હશે. કારણકે ચાંપાનેર ભાંગ્યા પછી ત્યાંથી હિજરત કરી ગોધરા, વેજલપુર, કપડવંજ ઈત્યાદિ સ્થળે ભાગી આવેલા નીમા વણિકો ઘણે ભાગે વિશા છે અને તે શ્રાવક છે. આ સમય વિ.સં. ૧૨૭૫નો છે. એટલે તે વાતને સવા સાતસો વર્ષ વિતી ગયા છે. આથી સિદ્ધ થાય છે કે તેરમા સૈકાની શરૂઆતમાં હાલમાં કપડવંજ જે જગ્યાએ છે તે જગ્યાએ વિશા નીમા વણિકો આવીને વસ્યા છે. તેરમા સૈકા સુધીમાં આવેલા વિશા નીમા વણિકો વ્યાપારમાં સામાજીક ક્ષેત્રમાં,રાજકિય પ્રવૃત્તિમાં અને જૈન સંપ્રદાયના ઉત્કર્ષ સારી સ્થિતિમાં હતા.

વિક્રમ સંવત ૧૪૪૭માં ઈડરના રાજપુત રાજાએ મોહનપુરમાં રહ્યા સહ્યા ખંડેરોવાળી જગ્યાએ હાલનું મોડાસા વસાવી ત્યાં કિલ્લો બાંધ્યો. તે સમયમાં આપણા નીમા વણિકો જેઓ કપડવંજ અને ચાંપાનેર આવેલા નહી પણ આજુબાજુના નજીકના ગામડામાં વાસ કરેલો તેઓને આ રક્ષણ મળવાથી મોડાસામાં સ્થાપિત થયા. મોડાસાએ બસો વર્ષ જાહોજલાલી પણ ભોગવી. ત્યાં અઢારમી સદીની શરૂઆતમાં નાશભાગ થઈ તેમાં આપણા નીમા વણિકોનો અમુક જથ્થો થાણા, મેઘરજ, ડુંગરપુર,મોરી,વાંસવાડા અને માળવામાં ઉજજૈન, ઈન્‍દોર, ખરગોળી વગેરે સ્થળે સ્થિત થયા. આ તરફ તે સમયે ચાંપાનેર ભાંગ્યું એટલે પણ ત્યાંના વણિકો ગોધરા, દાહોદ, વેજલપુર, ઝાલોદ, દેવગઢબારીયા, વાડાશિનોર, વીરપુર, કપડવંજ, મહુધા ઈત્યાદી સ્થળોએ હિજરત કરી ગયાં અને ત્યાં સ્થિર થયા. પછી પંદરમા સૈકામાં મોડાસા સજીવન થયું ત્યારે કપડવંજ અને ચાંપાનેર સિવાયના આજુબાજુના ગામમાં વસેલા લોકો મોડાસામાં આવી વસ્યા. ત્યાં બે ત્રણ સૈકા ઠરીઠામ રહી અઢારમી સદીમાં સ્થળાંતર કર્યું. તેમાં કપડવંજમાં ઘણા કુટુંબો આવ્યાં. તે જ સમયમાં ચાંપાનેર ભાંગ્યું. ત્યાંથી પણ કપડવંજમાં ભરતી થઈ. આ બધી હિજરત ઈ.સ.૧૮૦૨, વિ.સં. ૧૮૫૮માં સહાયકારી યોજનાનો અમલ થયો ત્યારથી બંધ થઈ. દેશ થાળે પડ્યો.આ સાતસો વર્ષના ઈતિહાસમાં કપડવંજમાં વિશા નીમા વણિકો શરૂઆતથી તે આજ સુધી રફ્તે રફ્તે આવ્યા કર્યા. ખેડા જિલ્લામાં કપડવંજ સાથે મહુધામાં વિશા નીમા વણિકની વસ્તી છે. આ બે ગામની વસ્તી બહુ પુરાતન એટલેકે લગભગ આઠસો વર્ષ ઉપરની છે.ગુજરાતમાં વિશા નીમાની વસ્તી મોડાસા, થાણા, મેઘરજ, બાકોળ અને પાલવાડામાં માત્ર વૈષ્ણવ, મહુધા અને લુણાવાડામાં વૈષ્ણવ તથા શ્રાવક બેઉ સંપ્રદાયની છે. બાકી બધાજ ગામોમાં શ્રાવક સંપ્રદાયની છે. ગુજરાત સિવાયના બધાજ પ્રાંતોમાં દશા અને વિશા બેઉ નીમા મોટે ભાગે વૈષ્ણવ સંપ્રદાય પાળતા થઈ ગયેલા છે. અસલ બધા જ જૈન સંપ્રદાયના હતાં પરંતુ શૃંગાર ધર્મ લોકોને વધુ અનુકુળ આવતા લોકો તે તરફ વધુ વળ્યા.એમ ઈતિહાસ પરથી સમજાય છે. ગુજરાતમાં પણ દશા નીમા લગભગ બધાજ વૈષ્ણવ સંપ્રદાયના છે.
વિશા નીમાની સમગ્ર નાત તપાગચ્છના જૈન શ્વેતાંબર મુર્તિ પૂજક સંપ્રદાયની છે.